લેવી
લેખક
આ પુસ્તકના લેખકના પ્રશ્નનું સમાધાન પુસ્તકના સમાપનની કલમમાં આપવામાં આવ્યું છે, “આ આજ્ઞાઓ છે કે જે ઈશ્વરે ઇઝરાયલના સંતાનો માટે મૂસાને સિનાઈ પર્વત પર ફરમાવી” (27:34; આ પણ તપાસો 7:38; 25:1; 26:46). આ પુસ્તક નિયમો સંબંધિત અનેક ઐતિહાસિક બનાવોનો કાળક્રમાનુસાર હેવાલ આપે છે. (8:10; 24:10-23). લેવી શબ્દ લેવી કુળ પરથી ઉતરી આવે છે કે જેના સભ્યોને પ્રભુ દ્વારા તેમના યાજકો અને આરાધનાના આગેવાનો થવા અલગ કરવામાં આવ્યા હતા. આ પુસ્તક લેવીઓના પ્રશ્નો અને જવાબદારીઓને સંબોધિત કરે છે, બહુ ખાસ રીતે, બધા જ યાજકોને તેઓએ કેવી રીતે લોકોને આરાધનામાં સહાય કરવી તે વિષે સૂચવવામાં આવ્યું છે અને લોકોને જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓએ પવિત્ર જીવન જીવવું.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.
લેવીના પુસ્તકમાં જોવા મળતું નિયમશાસ્ત્ર ઈશ્વરે સિનાઈ પર્વત ઉપર કે તેની પાસે મૂસાને કહી જણાવ્યુ હતું કે જ્યાં ઇઝરાયલીઓએ થોડા સમય માટે છાવણી કરી હતી.
વાંચકવર્ગ
આ પુસ્તક આવનાર પેઢીઓના યાજકો, લેવીઓ તથા ઇઝરાયલના લોકો માટે લખવામાં આવ્યું હતું.
હેતુ
લેવીના પુસ્તકની શરૂઆત ઈશ્વર મૂસાને મુલાકાત મંડપમાંથી બોલાવે છે ત્યાંથી થાય છે. લેવીનું પુસ્તક આ છુટકારો પામેલા લોકોને તેઓએ કેવી રીતે પોતાના મહિમાવાન ઈશ્વર કે જેઓ હવે તેઓ મધ્યે વસતા હતા તેઓ સાથે યોગ્ય સંબંધ જાળવવો જોઈએ તેની સમજ આપે છે. આ પ્રજાએ હમણાં જ મિસર દેશ તથા તેની સંસ્કૃતિ અને ધર્મ છોડ્યા હતા અને તેઓ કનાન દેશમાં પ્રવેશવા જઈ રહ્યા હતા કે જ્યાં બીજી સંસ્કૃતિઓ અને ધર્મો તે પ્રજાને અસર કરશે. લેવીનું પુસ્તક લોકોને આ સંસ્કૃતિઓથી અલગ (પવિત્ર) રહેવા અને યહોવાહને વિશ્વાસુ રહેવા જરૂરી શરતો પૂરી પાડે છે.
મુદ્રાલેખ
સૂચનાઓ
રૂપરેખા
1. અર્પણો માટે સૂચનાઓ – 1:1-7:38
2. ઈશ્વરના યાજકો માટે સૂચનાઓ – 8:1-10:20
3. ઈશ્વરના લોકો માટે સૂચનાઓ – 11:1-15:3
4. વેદી અને પ્રાયશ્ચિતના દિવસ માટેની સૂચનાઓ – 16:1-34
5. વ્યાવહારિક પવિત્રતા – 17:1-22:33
6. સાબ્બાથો, પર્વો અને ઉજવણીઓ – 23:1-25:55
7. ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની શરતો – 26:1-27:34
1
આખા અર્પણનું દહન
યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે, “તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.
જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય. જે વ્યક્તિ તે જાનવરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનીયાર્પણના માથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે. પછી દહનીયાર્પણનું ચામડું તે ઉતારે અને કાપીને તેના ટુકડા કરે.
હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે. યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના બળતા લાકડાંનાં અગ્નિ પર ગોઠવે. પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે દહનીયાર્પણ તરીકે વેદી પર મૂકવું અને એ યહોવાહને માટે સુવાસિત છે.
10 જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે કે ઘેટાંબકરાંમાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર પશુ જ હોવો જોઈએ. 11 તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.
12 તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે. 13 પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
14 જો યહોવાહને માટે તેનું દહનીયાર્પણ પક્ષીઓનું હોય, તો તે હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે. 15 યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.
16 તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત* કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે. 17 યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે, પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે. પછી યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ છે.
* 1:16 પાચન પહેલાં