2
ખાદ્યાર્પણ
1 જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર ધૂપ મૂકે.
2 તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદાનો લોટ, તેલ અને ધૂપ લે. પછી યાજક યહોવાહની કરુણાની યાદગીરી માટે સુવાસિત ખાદ્યાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરે.
3 ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહના હોમયજ્ઞોમાં સૌથી પરમપવિત્ર વસ્તુ ઈશ્વરને માટે છે.
4 જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.
5 જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય.
6 તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું. આ ખાદ્યાર્પણ છે.
7 જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું.
8 આ રીતે શેકેલું, તળેલું ખાદ્યાર્પણ તારે યહોવાહની આગળ લાવવું અને તે યાજક આગળ રજૂ કરવું અને તે તેને વેદી પાસે લાવે.
9 પછી યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
10 ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહને અર્પિત કરેલું યહોવાહના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.
11 જે ખાદ્યાર્પણ તમે યહોવાહ પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય, કેમ કે તમારે યહોવાહના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ.
12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવાહ પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ.
13 તમારે તમારાં ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમે તમારે મીઠું ચઢાવવું.
14 જો તમે યહોવાહ પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવો, તો તમારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તમારે ચઢાવવો.
15 તે પર તમારે તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો. એ ખાદ્યાર્પણ છે.
16 પછી યાજક પ્રતીકરૂપે તે પોંકમાંથી થોડો પોંક, તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને યહોવાહને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં દહન કરે. તે યહોવાહને માટે હોમયજ્ઞ છે.