40
મુલાકાતમંડપની પ્રતિષ્ઠા વિધિ
1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
2 “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.
3 તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.
4 મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
5 તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
6 તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
7 તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
8 તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
9 તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
10 તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
11 તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
12 તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
13 તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
14 તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
15 જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”
16 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
17 બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
18 મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
19 યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
20 તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
21 કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
23 તેના ઉપર મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
24 મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
25 યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.
26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
27 મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
29 મૂસાએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે દહનીયાર્પણની વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
31 મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
32 જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
33 મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
વાદળનું આચ્છાદન અને ગૌરવ
નિર્ગ. 9:15-23
34 પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
35 મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
36 જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.
37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.
38 યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.