22
દાઉદ શાઉલનથી નાસતો ફરે છે
તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં. જેઓ સંકટમાં હતા, જેઓ દેવાદાર હતા, જેઓ અસંતોષી હતા તેઓ બધા તેની પાસે એકઠા થયા. દાઉદ તેઓનો સરદાર બન્યો. ત્યાં તેની સાથે આશરે ચારસો માણસો હતા.
દાઉદ ત્યાંથી મોઆબના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાના છે એ મારા જાણવામાં આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.” તે તેઓને મોઆબના રાજાની પાસે લાવ્યો; દાઉદ ગઢમાં રહ્યો તેટલો બધો વખત તેનાં માતાપિતા તેની સાથે રહ્યાં. પછી ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, “તારા ગઢમાં રહીશ નહિ. અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.
શાઉલે જાણ્યું કે દાઉદ તથા તેની સાથે જે માણસો હતા તેઓ વિશેની માહિતી મળી છે. હવે શાઉલ તો ગિબયામાં રામામાંના આમલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો. અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.
શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “બિન્યામીનીઓ, હવે તમે સાંભળો! શું યિશાઈનો દીકરો પ્રત્યેકને ખેતરો તથા દ્રાક્ષવાડીઓ આપશે? શું તે પ્રત્યેકને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે, કે જેથી તમે બધાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે? મારો દીકરો યિશાઈના દીકરા સાથે કોલકરાર કરે છે ત્યારે મને ખબર આપનાર કોઈ નથી. મારે માટે દિલગીર થનાર કોઈ નથી અને મારા દીકરાએ મારા ચાકર દાઉદને મારી વિરુદ્ધ* આજની જેમ સંતાઈ રહેવાને સાવચેત કર્યો છે. તેની મને ખબર આપનાર શું તમારામાંનો કોઈ નથી?”
ત્યારે દોએગ અદોમી, જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને નોબમાં અહિટૂબના દીકરા અહીમેલેખ યાજક પાસે આવતો જોયો હતો. 10 તેણે તેને માટે ઈશ્વરને સલાહ પૂછી, તેને ખાધસામગ્રી આપી તથા ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી કે તે તેને મદદ કરે.”
11 પછી રાજાએ અહિટૂબના દીકરા, અહીમેલેખ યાજકને તથા તેના કુટુંબનાં જેઓ, નોબમાં હતા તેઓને બોલાવવા એક જણને મોકલ્યો. તેઓ સર્વ રાજા પાસે આવ્યા. 12 શાઉલે કહ્યું, “હે અહિટૂબના દીકરા, હવે સાંભળ.” તેણે ઉત્તર આપ્યો, “હે મારા માલિક, હું આપની સમક્ષ છું.” 13 શાઉલે તેને કહ્યું કે, “શા માટે તેં અને યિશાઈના દીકરાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું અને તેને રોટલી તથા તલવાર આપીને મારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરી કે તે તેને મદદ કરે જેથી તે મારી વિરુદ્ધ ઊઠે?”
14 પછી અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારો અંગરક્ષક છે તથા જે તમારા દરબારમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારામાંના સર્વ ચાકરોમાં અન્ય કોણ છે? 15 શું મેં આજ પહેલી વખત ઈશ્વરને મદદને સારુ પ્રાર્થના કરી છે? એ મારાથી દૂર થાઓ! રાજાએ પોતાના ચાકરને માથે અથવા મારા પિતાના સર્વ ઘરનાં કોઈનાં માથે એવું કંઈ પણ તહોમત મૂકવું નહિ. કેમ કે તમારો ચાકર આ સર્વ બાબતો વિષે કંઈ પણ જાણતો નથી.”
16 રાજાએ જવાબ આપ્યો, “અહીમેલેખ તું તથા તારા પિતાના ઘરનાં સર્વ નિશ્ચે મરણ પામશો.” 17 રાજાએ પોતાની આસપાસ ઊભા રહેલા અંગરક્ષકોને કહ્યું, “ફરીને ઈશ્વરના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ દાઉદ સાથે પણ છે, કેમ કે તેઓ જાણતા હતા કે તે નાસી જશે, મને તેની ખબર ન આપી.” પણ રાજાના ચાકરો ઈશ્વરના યાજકોને મારી નાખવા તેઓનાં હાથ ઉગામવા રાજી નહોતા.
18 પછી રાજાએ દોએગને કહ્યું, “પાછો ફરીને યાજકોને મારી નાખ.” તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ ઝભ્ભો પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો. 19 વળી તેણે તલવારની ધારથી, યાજકોના નગર નોબના પુરુષો, સ્ત્રીઓ, નાનાંમોટાં બાળકો બળદો, ગધેડાં તથા ઘેટાં પર હુમલો કર્યો. તેણે તેઓમાંના સર્વને તલવારની ધારથી મારી નાખ્યાં.
20 પણ અહિટૂબના દીકરા અહીમેલેખના દીકરાઓમાંનો એક દીકરો, જેનું નામ અબ્યાથાર હતું, તે બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો. 21 અબ્યાથારે દાઉદને કહ્યું કે “શાઉલે ઈશ્વરના યાજકોને મારી નાખ્યા છે.”
22 દાઉદે અબ્યાથારને કહ્યું કે, “તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના ઘરનાં સર્વ માણસોના મોતનું કારણ હું જ થયો છું. 23 તું મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. કેમ કે જે મારો જીવ લેવા માગે છે તે તારો પણ જીવ લેવા માગે છે. કેમ કે તું મારી સાથે સહીસલામત રહેશે.”
* 22:8 22:8 મારા પુત્ર મારા સેવક દાઉદને મારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે. 22:13 22:13 તે મારો દુશ્મન બની ગયો છે. 22:14 22:14 તે તમારો અંગરક્ષકોનો સરદાર છે