2
હાન્‍નાની પ્રાર્થના
હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે,
“મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે;
મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે;
મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે,
કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું.
ત્યાં ઈશ્વર જેવા અન્ય કોઈ પવિત્ર નથી,
કેમ કે ત્યાં તેમના સિવાય બીજો કોઈ નથી;
ત્યાં અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી.
અતિ ગર્વથી બડાઈ કરશો નહિ;
તમારા મુખમાંથી ઘમંડ નીકળે નહિ.
કેમ કે પ્રભુ તો ડહાપણના ઈશ્વર છે;
તેમનાંથી કાર્યોની તુલના કરાય છે.
પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયા છે,
પણ ઠોકર ખાનારાઓ બળથી વેષ્ટિત કરાયા છે.
જેઓ તૃપ્ત હતા તેઓ રોટલી સારુ મજૂરી કરે છે;
જેઓ ભૂખ્યા હતા તેઓ હવે એશ આરામ કરે છે.
નિઃસંતાન સ્ત્રીએ સાત બાળકોને જન્મ આપ્યો છે,
પણ સ્ત્રીને ઘણાં બાળકો છે તે તડપે છે.
ઈશ્વર મારે અને જીવાડે છે.
તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે.
ઈશ્વર માણસને નિર્ધન બનાવે છે અને તે ધનવાન પણ કરે છે.
તે નીચા પાડે છે અને તે ઊંચે પણ ચઢાવે કરે છે.
તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે
જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને,
તેઓને રાજકુમારોની સાથે સિંહાસન પર બેસાડે છે,
અને ગૌરવનો વારસો પમાડે છે.
કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે;
તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે.
તે પોતાના વિશ્વાસુ લોકોના પગનું રક્ષણ કરે છે,
પણ દુશ્મનોને અંધકારમાં ચૂપ કરી દેવામાં આવશે,
કેમ કે કોઈ બળથી વિજય પામી શકતું નથી.
10 જે કોઈ ઈશ્વરની વિરુદ્ધ થશે તેઓના ટુકડે ટુકડાં કરી નંખાશે;
આકાશમાંથી તેઓની સામે તે ગર્જના કરશે.
ઈશ્વર પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે;
તે પોતાના રાજાને બળ આપશે અને,
પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે.”
11 પછી એલ્કાના રામામાં પોતાને ઘરે ગયો. છોકરો એલી યાજકની આગળ ઈશ્વરની સેવા કરતો હતો.
એલીના પુત્રો
12 હવે એલીના દીકરાઓ દુષ્ટ પુરુષો હતા. તેઓ ઈશ્વરને ઓળખતા નહોતા. 13 લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જયારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો અને જયારે માંસ બફાતું હોય ત્યારે યાજકનો ચાકર પોતાના હાથમાં ત્રણ અણીવાળું સાધન લઈને આવતો. 14 તેના ઉપયોગ દ્વારા તવા, કડાઈ, દેગ, ઘડામાંથી જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને સારુ લેતો. જયારે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા ત્યારે તેઓ આ જ પ્રમાણે કરતા.
15 વળી તેઓ ચરબીનું દહન કરે તે અગાઉ, યાજકનો ચાકર ત્યાં આવતો અને જે માણસ યજ્ઞ કરતો હોય તેને કહેતો, “યાજકને માટે શેકવાનું માંસ આપ; કેમ કે તે તારી પાસેથી બાફેલું નહિ, પણ ફક્ત કાચું માંસ સ્વીકારશે.” 16 જો તે માણસ તેને એવું કહે, “તેઓને પહેલાં ચરબીનું દહન કરી દેવા દે, પછી તારે જોઈએ તેટલું માંસ લઈ જજે.” તો તે કહેતો કે, “ના, તું મને હમણાં જ આપ; જો નહિ આપે તો હું જબરદસ્તીથી લઈ લઈશ.” 17 એ જુવાનોનું પાપ ઈશ્વર આગળ ઘણું મોટું હતું, કેમ કે તેઓ ઈશ્વરના અર્પણની અવગણના કરતા હતા.
શમુએલ શીલોમાં
18 શમુએલ બાળપણમાં શણનો એફોદ પહેરીને ઈશ્વરની હજૂરમાં સેવા કરતો હતો. 19 જયારે તેની માતા હાન્ના પોતાના પતિ સાથે વાર્ષિક બલિદાન ચઢાવવાને આવતી, ત્યારે તે તેને માટે નાનો ઝભ્ભો બનાવી દર વર્ષે લાવતી.
20 એલીએ એલ્કાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને એલ્કાનાને કહ્યું, “તારી આ પત્ની દ્વારા ઈશ્વર તને અન્ય સંતાનો પણ આપો. કેમ કે તેણે ઈશ્વર સમક્ષ અર્પણ કર્યું છે.” ત્યાર પછી તેઓ પોતાને ઘરે પાછા ગયાં. 21 ઈશ્વરે ફરીથી હાન્ના પર કૃપા કરી અને તે ગર્ભવતી થઈ. તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. તે દરમિયાન, બાળ શમુએલ ઈશ્વરની હજૂરમાં મોટો થતો ગયો.
એલી અને તેના પુત્રો
22 હવે એલી ઘણો વૃદ્ધ હતો; તેણે સાંભળ્યું કે તેના દીકરાઓ સર્વ ઇઝરાયલ સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે કુકર્મ કરતા હતા. 23 તેણે દીકરાઓને કહ્યું, “તમે આવાં કૃત્યો કેમ કરો છો? કેમ કે આ સઘળા લોકો પાસેથી તમારાં દુષ્ટ કર્મો વિષે મને સાંભળવા મળે છે.” 24 ના, મારા દીકરાઓ; કેમ કે જે વાતો હું સાંભળું છું તે યોગ્ય નથી. તમે લોકો પાસે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો.
25 “જો કોઈ એક માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેનો ન્યાય કરશે; પણ જો કોઈ માણસ ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે, તો તેને સારુ કોણ વિનંતી કરે?” પણ તેઓએ પોતાના પિતાની શિખામણ પાળી નહિ, કેમ કે ઈશ્વરે તેઓને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો. 26 બાળ શમુએલ મોટો થતો ગયો અને ઈશ્વરની તથા માણસોની કૃપામાં પણ વધતો ગયો.
એલીના કુટુંબની વિરુદ્ધ ભવિષ્યવાણી
27 ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “ઈશ્વર કહે છે, ‘જયારે તમારા પિતૃઓ મિસરમાં ફારુનના ઘરમાં ગુલામીમાં હતા, ત્યારે મેં શું પોતાને તમારા પિતૃઓનાં ઘરનાંઓની સમક્ષ જાહેર કર્યો નહોતો? 28 મેં તને ઇઝરાયલના સઘળાં કુળોમાંથી મારો યાજક થવા, મારો યજ્ઞવેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, મારી આગળ એફોદ પહેરવા માટે પસંદ કર્યો હતો. શું મેં તારા પિતૃઓના ઘરનાઓને ઇઝરાયલ લોકોને સર્વ અગ્નિથી કરેલ અર્પણ યજ્ઞો આપ્યાં નહોતા?
29 ત્યારે, શા માટે, મારાં જે બલિદાનો અને અર્પણો કરવાની મેં તને આજ્ઞા આપી છે તેનો તિરસ્કાર કરીને જ્યાં હું રહું છું ત્યાં મારા ઇઝરાયલ લોકોનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા પોતાના દીકરાઓનું માન વધારે કેમ રાખે છે?’ 30 માટે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘મેં વચન આપ્યું હતું કે તારું ઘર અને તારા પિતૃઓનું ઘર, સદા મારી સમક્ષ ચાલશે.’ પણ હવે ઈશ્વર કહે છે, ‘હું આવું કરીશ નહિ, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, પણ જેઓ મને તુચ્છકારે છે તેઓ હલકા ગણાશે.
31 જુઓ, એવા દિવસો આવે છે જયારે હું તારું બળ અને તારા પિતાના ઘરનાનું બળ નષ્ટ કરી નાખીશ, જેથી કરીને તારા ઘરમાં કોઈ માણસ વૃદ્ધ થાય નહિ. 32 મારા નિવાસમાં તું વિપત્તિ જોશે. જે સર્વ સમૃદ્ધિ ઇઝરાયલને આપવામાં આવશે તેમાં પણ તારા ઘરમાં સદાને માટે કોઈ માણસ વૃદ્ધ થશે નહિ. 33 તારા વંશજોમાંનાં એકને હું મારી વેદી પાસેથી કાપી નાખીશ નહિ, તેનું જીવન બચી ગયેલું છે જેના દ્વારા તારા હૃદયની વ્યથા તારી આંખોમાં આંસુ સાથે બહાર આવશે. અને તારા બીજા બધા વંશજો નાની ઉંમરમાં મરણ પામશે.
34 આ તારા માટે ચિહ્નરૂપ થશે કે જે તારા બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ પર આવશે તેઓ બન્ને એક જ દિવસે મરણ પામશે. 35 મારા અંતઃકરણ તથા મારા મનમાં જ છે તે પ્રમાણે કરે એવા એક વિશ્વાસુ યાજકને હું મારે સારુ ઊભો કરીશ. હું તેને સારુ એક સ્થિર ઘર બાંધીશ; અને તે સદા મારા અભિષિક્તની સંમુખ ચાલશે.
36 તારા કુળમાંથી જે તારા બચી ગયા હશે તે બધા આવશે અને તે વ્યક્તિને નમન કરીને ચાંદીના એક સિક્કા અને રોટલીના એક ટુકડાને તેને નમન કરશે અને કહેશે, “કૃપા કરી યાજકને લગતું કંઈ પણ કામ મને આપ જેથી હું રોટલીનો ટુકડો ખાવા પામું.”