10
પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા* પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી? આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?”
પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે. તેઓ પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, જે તું તેઓના હાથમાંથી લેશે.
ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે.
હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે. તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે.”
જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં. 10 જયારે તેઓ પર્વત પાસે આવ્યા, ત્યારે પ્રબોધકોની ટોળી તેને મળી. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના ઉપર આવ્યો અને તેણે તેઓની વચ્ચે પ્રબોધ કર્યો.
11 જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?” 12 તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?” 13 પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો.
14 ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા.” 15 શાઉલના કાકાએ કહ્યું, “મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?” 16 શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, “તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે.” પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ.
શાઉલનો રાજા તરીકે જાહેર સ્વીકાર
17 હવે શમુએલે લોકોને મિસ્પામાં બોલાવીને ઈશ્વરની આગળ ભેગા કર્યા. 18 તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: ‘હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.’ ”
19 પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, ‘અમારા ઉપર તમે રાજા નીમી આપો.’ હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ.”
20 તેથી શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને પાસે લાવ્યો તેમાંથી બિન્યામીનનું કુળ માન્ય થયું. 21 પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીઓનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ.
22 તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, “તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?” ઈશ્વરે જવાબ આપ્યો, “તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે.” 23 પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો.
24 પછી શમુએલે લોકોને કહ્યું, “શું ઈશ્વરના પસંદ કરેલા માણસને તમે જુઓ છો? બધા લોકોમાં તેના જેવો કોઈ નથી!” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા ઘણું જીવો!”
25 પછી શમુએલે લોકોને રિવાજો તથા રાજનીતિ વિષે કહ્યું, તેને પુસ્તકમાં લખીને ઈશ્વરની આગળ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘરે વિદાય કર્યા.
26 શાઉલ પણ પોતાને ઘરે ગિબયામાં ગયો. અને જે શૂરવીરોના હૃદયને ઈશ્વરે સ્પર્શ કર્યો હતો તેઓ પણ તેની સાથે ગયા. 27 પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, “આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?” તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.
* 10:1 10:1 ઇઝરાયલ લોકો