61
રક્ષણ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત).
હે ઈશ્વર, મારો પોકાર સાંભળો;
મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ;
જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
કેમ કે તમે મારા આશ્રય છો,
મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ;
તમારી પાંખોના આશ્રયે હું રહીશ.
સેલાહ
કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે;
જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
તમે રાજાનું આયુષ્ય વધારશો;
તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે;
તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ
કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.