58
અન્યાયીઓ ઉપર શબ્દ-પ્રહારો
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત.
1 શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો?
હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો?
2 ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો;
પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો.
3 દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે;
તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે;
તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
5 કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો
પણ અવાજ સાંભળતો નથી.
6 હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો;
હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
7 તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ;
જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
8 ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા
અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
10 જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે;
તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે,
11 કે જેથી માણસો કહેશે કે, “ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે;
નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”