147
રક્ષક-પોષક પ્રભુની સ્તુતિ
યહોવાહની સ્તુતિ કરો,
કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં
એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે;
તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે
અને તે તેઓના ઘા રુઝવે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
તે તેઓને નામ આપીને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે;
તેમના ડહાપણની કોઈ સીમા નથી.
યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે;
તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ;
વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે
અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે,
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમ જ પોકાર કરતાં
કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
10 તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી;
તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.
11 જેઓ તેમનો ભય રાખે છે
અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.
12 હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર;
હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.
13 કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે;
તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.
14 તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે;
સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
16 તે ઊનના જેવો બરફ મોકલે છે;
તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
17 રોટલીના કટકા જેવા કરા વરસાવે છે;
તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.
19 તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં,
તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.
20 અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી;
તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી.
યહોવાહની સ્તુતિ થાઓ.