109
સંકટ સમયની પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે;
તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે
અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે,
પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે
અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો;
તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો;
તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
તેના દિવસો થોડા થાઓ;
તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
તેના સંતાનો અનાથ
અને તેની પત્ની વિધવા થાઓ.
10 તેના સંતાનો રખડીને ભીખ માગો,
ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
11 તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ;
તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
12 તેના પર દયા રાખનાર કોઈ ન રહો;
તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
13 તેના વંશજોનો ઉચ્છેદ થાઓ;
આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
14 તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો;
અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
15 તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો;
યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
16 કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ,
પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે
અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
17 બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો.
તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
18 તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો
અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં
તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
19 પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ
કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
20 જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે,
તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
21 હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો.
કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
22 કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું
અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
23 હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું;
મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
24 ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે;
મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું;
જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
26 હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો;
તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
27 તેઓ જાણે કે આ તમે કર્યું છે,
હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
28 જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો;
જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ,
પણ તમારો સેવક આનંદ કરે.
29 મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો
અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
30 હું વારંવાર યહોવાહનો આભાર માનીશ;
હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
31 કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી
ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.