5
યરુશાલેમનું પાપ
“યરુશાલેમની શેરીઓમાં આમતેમ ફરો. જુઓ અને જાણો, તેના ચોકોમાં શોધો.
જો ન્યાયી તથા વિશ્વાસુપણાના માર્ગે ચાલનાર એવો એક પણ માણસ મળે,
તો હું યરુશાલેમને માફ કરીશ.
જો કે, ‘જીવતા યહોવાહના સમ’ એમ કહીને તેઓ સમ ખાય છે. તેઓ ખોટી પ્રતિજ્ઞા લે છે.
હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ.
તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે.
પછી મેં કહ્યું, “ખરેખર તેઓ ડરપોક લોકો છે.
તેઓ મૂર્ખ છે, તેઓ યહોવાહના માર્ગો અને તેઓના ઈશ્વરના નિયમો જાણતા નથી.
હું નામાંકિત વડીલો પાસે જઈને તેઓની સાથે યહોવાહ વિષે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાહના માર્ગો જાણે છે,
તેઓ પોતાના ઈશ્વરના નિયમો જાણે છે: પણ તે લોકોએ ઈશ્વરની ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.
આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે.
ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે,
કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે.
હું કેમ કરીને તેમને માફી આપું?
તમારાં સંતાનોએ મારો ત્યાગ કર્યો છે અને જેઓ દેવો નથી તેઓને વચન આપ્યા છે.
મેં તેમને ખવડાવીને તૃપ્ત કર્યા પણ તેઓએ વ્યભિચાર કર્યો. અને ગણિકાઓનાં ઘરોમાં તેઓનાં ટોળેટોળાં ભેગાં થયાં.
તેઓ મસ્ત ઘોડાઓનાં જેવા હતા. દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ સિસકારા કરે છે.
આ સર્વ બાબતોને માટે મારે શું તેમને સજા ન કરવી? એમ યહોવાહ કહે છે.
શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?
10 તેમની દ્રાક્ષવાડીઓના કોટ પર ચઢો. અને તેઓનો વિનાશ કરો, પણ તેઓનો સંપૂર્ણ વિનાશ ન કરો.
તેની લીલી ડાળીઓ કાપી નાખો, કેમ કે તે યહોવાહ તરફની નથી.
11 કેમ કે ઇઝરાયલના અને યહૂદાના કુટુંબે મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે. એમ યહોવાહ કહે છે.
પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરે છે સજારૂપ આક્રમણ
12 ‘તે સત્ય નથી,’ તેમ કહીને તેઓએ મારો નકાર કર્યો છે.
અમારા પર સંકટ આવી પડશે નહિ, અમે દુકાળ કે તલવાર જોઈશું નહિ.
13 પ્રબોધકો વાયુરૂપ થઈ જશે. યહોવાહનું વચન તેઓમાં નથી. તેઓની આપત્તિ તેઓના પર આવશે.’ ”
14 તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જુઓ, તમે આ કહ્યું છે,
તે માટે, હું તમારા મુખમાં શબ્દોને અગ્નિરૂપ કરીશ. અને લોકોને બળતણરૂપ કરીશ અને તે તેઓને ભસ્મ કરશે.
15 યહોવાહ કહે છે, જુઓ! હે ઇઝરાયલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લાવીશ.
તે તો પ્રાચીન અને બળવાન પ્રજા છે. અને તેની ભાષા તમે જાણતા નથી.
અને તે જે બોલે છે તે તું સમજતો નથી.
16 તેઓ બધા યોદ્ધાઓ છે, તેઓનો ભાથો ઉઘાડી કબર જેવો છે.
17 તેઓ તમારી ફસલ, વળી તમારાં દીકરા દીકરીઓ અને તમારો ખોરાક ખાઈ જશે.
તેઓ તમારાં ટોળાંઓ અને જાનવરોને ખાઈ જશે; તેઓ તમારી દ્રાક્ષવાડીઓ અને અંજીરીના ફળને ખાઈ જશે;
અને તમે જેના પર આધાર રાખો છો તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ યુદ્ધશસ્ત્રથી તોડી પાડશે.
18 યહોવાહ કહે છે કે, તેમ છતાં એ દિવસોમાં હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું. 19 અને જ્યારે તમે પૂછશો કે, ‘શા માટે અમારા ઈશ્વર યહોવાહ આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’ ત્યારે તમે તેઓને કહેજો કે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા વતનમાં રહીને તમે અન્ય દેવોની સેવા કરી છે. તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પરદેશીઓની સેવા કરશો.’ ”
પ્રભુ પોતાના લોકોને ચેતવે છે
20 યાકૂબના વંશજોને આની જાણ કરો, યહૂદિયામાં આની ઘોષણા કરો.
21 ‘હે મૂર્ખ લોકો! આ સાંભળો, મૂર્તિઓને ઇચ્છાશક્તિ હોતી નથી;
તેઓને આંખો છે છતાં જોતી નથી અને કાનો છે છતાં સાંભળતી નથી.
22 યહોવાહ કહે છે, શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ ધ્રૂજ્શો નહિ?
મેં હંમેશને માટે સમુદ્રને રેતીની મર્યાદા ઠરાવી છે કે તે તેને ઓળંગી શકે નહિ,
જો કે તેનાં મોજાં ઊછળે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ.
23 પરંતુ આ લોકો તો હઠીલા અને બંડખોર છે. તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.
24 આપણો ઈશ્વર યહોવાહ યોગ્ય સમયે તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપે છે.
અને જે આપણે માટે કાપણીના નિયત સપ્તાહ રાખી મૂકે છે. તેનાથી આપણે બીહીએ એમ તેઓ પોતાના હ્રદયમાં કહેતા નથી.”
25 એ કૃપાદાનો તમારા પોતાના દુષ્કમોર્થી વિમુખ થયાં છે. અને તમારાં પોતાનાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.
26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે અને શિકારીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે,
તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો તૈયાર કરે છે.
27 જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે
તેમ તેઓનાં ઘરો કપટથી મેળવેલા દ્રવ્યથી ભરેલાં છે.
28 તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઈ સીમા નથી. તેઓ અનાથોની વિનંતી સાંભળતાં નથી છતાં તેઓ સમૃદ્ધ થાય છે.
અને તેઓ દરિદ્રોના હકનું રક્ષણ કરતા નથી.
29 યહોવાહ કહે છે કે શું આ બધી બાબતોને લીધે હું તેમને સજા નહી કરું?
એવી પ્રજાને માટે મારો જીવ બદલો શું નહિ લે?
30 દેશમાં ભયંકર તથા આઘાતજનક વાતો બની રહી છે
31 પ્રબોધકો જૂઠું બોલે છે અને તેઓના કહ્યા પ્રમાણે યાજકો સત્તા ચલાવે છે.
અને મારા લોકને તે ગમે છે; પણ અંત આવશે ત્યારે શું થશે?