25
બિલ્દાદ
પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
“સત્તા અને ભય તેમની પાસે છે;
તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે?
અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે?
અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે;
અને તારાઓ પણ નિર્મળ નથી.
તો પછી મનુષ્ય જે કીડા જેવો છે,
અને મનુષ્યપુત્ર* જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”
* 25:6 માનવ જાત