21
અયૂબ
પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
“હું જે કહું તે ધ્યાનથી સાંભળો,
અને મને દિલાસો આપો.
મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો;
પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
શું મારી ફરિયાદ માણસ સામે છે?
હું શા માટે અધીરો ના થાઉં?
મારી સામે જોઈને આશ્ચર્ય પામો,
અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું,
હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
શા માટે દુર્જનો લાંબુ જીવે છે?
શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે.
દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે;
અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.
10 તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી;
તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.
11 તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.
તેઓનાં સંતાનો નાચે છે.
12 તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે,
અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.
13 તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે,
અને એક પળમાં* તેઓ શેઓલમાં ઊતરી જાય છે.
14 તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ
કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.
15 તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે,
અમે તેમની સેવા કરીએ?
તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?
16 જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી?
દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.
17 દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે?
અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે?
ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?
18 તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા
વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?
19 તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’
તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.
20 તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ,
અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.
21 તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી,
તે કુટુંબમાં શો આનંદ રહે છે?
22 શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે?
ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.
23 માણસ પૂરજોરમાં,
તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.
24 તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે.
અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,
અને કદી સુખનો અનુભવ કરતો નથી.
26 તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે.
અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
27 જુઓ, હું તમારા વિચારો જાણું છું
અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.
28 માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે?
દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’
29 શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું?
તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,
30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે,
અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?
31 તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે?
તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
32 તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે,
અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.
33 ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે,
જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા,
તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.
34 તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો?
કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”
* 21:13 શાંતિમાં