42
મંદિર પાસેની બે ઇમારતો
1 પછી પેલો માણસ મને ઉત્તર તરફના બહારના આંગણામાં લાવ્યો. અને ઉત્તર બાજુના મકાન તરફના બહારના આંગણાની સામેના ઓરડાઓમાં લાવ્યો.
2 આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી.
3 અંદરનાં આંગણા પવિત્રસ્થાનથી વીસ હાથ દૂર હતાં. બહારનાં આંગણાંની સામે ઓસરીમાં ત્રણ માળ હતા.
4 ઓરડીની આગળ એક રસ્તો હતો તે દસ હાથ પહોળો તથા તેની લંબાઈ સો હાથ હતી. ઓરડાના દરવાજા ઉત્તર બાજુ તરફ હતા.
5 પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી.
6 તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.
7 જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.
8 બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.
9 બહારના આંગણામાથી ઓરડીઓમાં આવતા નીચે થઈને પૂર્વ બાજુએ જવાતું હતું.
10 બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.
11 તેમની આગળનો માર્ગ ઉત્તર તરફની ઓરડીઓ જેવો લંબાઈમાં અને પહોળાઈમાં સરખો હતો. તેઓનાં સર્વ દ્વારો તેમના ઘાટ પ્રમાણે તથા તેમના દરવાજા પ્રમાણે હતાં.
12 ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.
13 તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.
14 યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા.”
મંદિરના વિસ્તારનું માપ
15 જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
17 તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
18 તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
19 તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
20 તેણે ચારેબાજુ માપી. પવિત્ર તથા અપવિત્ર ભાગોને જુદા પાડવા માટે તેને ચારેબાજુ એક દીવાલ હતી, જેની લંબાઈ પાંચસો હાથ અને પહોળાઈ પાંચસો હાથ હતી.