સભાશિક્ષક
લેખક
સભાશિક્ષકનું પુસ્તક પ્રત્યક્ષ રીતે તેના લેખકની ઓળખ આપતું નથી. સભાશિક્ષક 1:1 માં લેખક પોતાની જાતને હિબ્રૂ શબ્દ કોહેલેથ દ્વારા ઓળખાવે છે જેનો અનુવાદ “સભાશિક્ષક” તરીકે કરવામાં આવ્યો છે. સભાશિક્ષક પોતાની જાતને “દાઉદનો પુત્ર અને યરુશાલેમમાં રાજા,” કહે છે કે જે “જેઓ મારી અગાઉ યરુશાલેમમાં રાજા હતા તેઓ કરતાં બુદ્ધિમાં વધારે,” વૃદ્ધિ પામ્યો છું અને એ કે જેણે ઘણા નીતિવચનો એકઠાં કર્યા છે (સભાશિક્ષક 1:1, 16; 12:9). સુલેમાન યરુશાલેમ શહેરમાંથી સમગ્ર ઇઝરાયલ પર રાજ કરનાર દાઉદનો એક માત્ર પુત્ર હતો કે જે દાઉદ પછી રાજા બન્યો હતો. (1:12). ઘણી બધી કલમો સૂચિત કરે છે કે આ પુસ્તક સુલેમાને લખ્યું છે. તેના સંદર્ભમાં કેટલાક સૂચનો છે કે જે દર્શાવી શકે કે સુલેમાનના મૃત્યુ પછી, કદાચને કેટલીક સદીઓ પછી બીજી કોઈ વ્યક્તિએ આ પુસ્તક લખ્યું હશે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 940 થી 931 વચ્ચેનો છે. સભાશિક્ષકનું પુસ્તક સંભવિત રીતે સુલેમાનના રાજ્યકાળના અંત સમયમાં લખાયું હતું અને તે યરુશાલેમમાં લખાયું હોય તેમ લાગે છે.
વાંચકવર્ગ
સભાશિક્ષકનું પુસ્તક પ્રાચીન સમયના ઇઝરાયલીઓ માટે તથા ત્યાર બાદના બધા જ બાઇબલ વાંચકો માટે લખાયું છે.
હેતુ
આ પુસ્તક આપણાં માટે કડક ચેતવણીરૂપ છે. ઈશ્વરનો ભય અને ઈશ્વરને કેન્દ્રમાં રાખ્યા સિવાય જીવેલું જીવન વ્યર્થ, નિરર્થક તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. આપણે મોજશોખ, સંપત્તિ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ડહાપણ કે સામાન્ય સુખો પાછળ દોડીએ તો પણ, આપણાં જીવનનો અંત આવશે અને આપણને ખબર પડશે કે આપણે આપણાં જીવનો વ્યર્થતામાં જીવ્યા છે. જીવનમાં અર્થ ફક્ત ઈશ્વર કેન્દ્રિત જીવન દ્વારા જ આવે છે.
મુદ્રાલેખ
ઈશ્વર સિવાય બધું જ વ્યર્થ છે.
રૂપરેખા
1. પ્રસ્તાવના — 1:1-11
2. જીવનના વિવિધ પાસાઓની વ્યર્થતા — 1:12-5:7
3. ઈશ્વરનો ભય — 5:8-12:8
4. અંતિમ નિષ્કર્ષ — 12:9-14
1
સર્વકાંઈ મિથ્યા છે
1 યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
2 સભાશિક્ષક કહે છે કે.
“વ્યર્થતાની વ્યર્થતા,
વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે.
સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
3 જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?
4 એક પેઢી જાય છે અને બીજી આવે છે
પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
5 સૂર્ય ઊગે છે
પછી અસ્ત થઈને
ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
6 પવન દક્ષિણ તરફ વાય છે
અને ઉત્તર તરફ પણ વળે છે
તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે.
અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે
તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી
જે જગાએ નદીઓ જાય છે
ત્યાંથી તેઓ પાછી આવે છે.
8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે
તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી.
ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી
અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.
9 જે થઈ ગયું છે તે જ થવાનું છે
અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે
પૃથ્વી પર કશું જ નવું નથી.
10 શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે
“જુઓ, તે નવું છે”?
તોપણ જાણવું કે આપણી અગાઉના,
જમાનામાં તે બન્યું હતું.
11 ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી;
અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું,
કંઈ પણ સ્મરણ પણ
હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
અનુભવનો સાર: ‘બધું વ્યર્થ છે’
12 હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
13 પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
14 પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી
અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!
16 મેં સ્વયં પોતાને કહ્યું કે, “જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”
17 પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
18 કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.