27
રોમ તરફ સફર
અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા. અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી. ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા; અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા (બંદરે) પહોંચ્યા. ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા. પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું. મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે. સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે, 10 ‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે. 11 પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો. 12 વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
દરિયામાં તોફાન
13 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. 14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો. 15 વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું. 16 કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી; 17 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા. 18 અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો; 19 ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. 20 ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ. 21 કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી. 22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે. 23 કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, 24 ‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે. 25 એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. 26 તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે. 27 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ. 28 તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું. 29 રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા. 30 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા. 31 ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી. 32 તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા. 33 દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી. 34 એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’ ” 35 પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો. 36 ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું. 37 વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા. 38 બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
વહાણ ભંગ
39 દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા. 40 લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા. 41 વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો. 42 ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય. 43 પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું; 44 અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.